
પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર 181 અભયમની ટીમે મધ્યપ્રદેશની નિઃસહાય મહિલાની વ્હારે આવી આશ્રય અપાવ્યો હતો.
પોરબંદર 181 અભયમની ટીમને બગવદર ખાતેથી જાગૃત નાગરિકનો નિ:સહાય બનેલી મહિલા અંગે ફોન આવ્યો હતો. પોરબંદર અભયમ 181 ની ટીમને કોલ મળતાની સાથે જ બગવદર ખાતે રવાના થઈ હતી. સ્થળ ઉપર પહોંચતા જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, આ મહિલા તેના બેન અને બનેવી સાથે મજૂરી કામ અર્થે મોરાણા ગામે વાડીમાં આવ્યા હતા, અને તેઓ વાડી વિસ્તારમાં ત્રણ માસથી કામ કરતા હતા. પરંતુ બંને બહેનો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં આ મહિલા છેલ્લા એકાદ માસથી રખડતા ભટકતા હતા.ત્યારબાદ બગવદર પોલીસ સ્ટેશન ખાતે આ મહિલાને લઈ જવામાં આવી હતી પરંતુ નિઃસહાય મહિલાના બેન બનેવી કામ પૂર્ણ થઈ ગયું હોવાથી થોડા સમય પહેલા પોતાના વતન એમપી ચાલ્યા ગયા છે. આવી સ્થિતિમાં આ મહિલા નિ:સહાય હોવાથી 181 માં ફોન કર્યો હોવાનું જાગૃત નાગરિકે સ્થળ ઉપર જણાવ્યું હતું.
પોરબંદર અભયમ 181 ની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં નામ સરનામું અને પોરબંદરના બરડા વિસ્તારમાં કેટલા સમયથી રહે છે તે સહિતની વિગતો મેળવી હતી. બાદ મહિલાનું સફળ કાઉન્સિલિંગ સાથે તેને આશ્રય માટે પોરબંદરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ સાથે જ મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધી તેમને જાણ કરવામાં આવી હતી. આમ મધ્યપ્રદેશના મજુર મહિલાના સહાયક બની પોરબંદર અભયમ ટીમના કાઉન્સેલર નીરૂપાબેન બાબરીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન ચાવડાએ સફળ કાર્ય કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya