
અમરેલી, 11 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બનેતી પરંપરાગત સાની અને દ્રાયફ્રૂટ ચીકી આજે સમગ્ર વિસ્તારમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. 40 વર્ષથી એકસરખો ટેસ્ટ જાળવી રાખનાર આ વ્યવસાય આજે શિયાળાની સિઝનમાં ખાસ કરીને વધુ માંગમાં રહે છે. સાવરકુંડલાની એ ખાસ વાત એ છે કે અહીં માત્ર એક જ શોપ એવી છે જ્યાં સાની અને ચીકી લાઈવ તૈયાર કરીને વેચાણ કરવામાં આવે છે.
તોફિક બાવલિયા જણાવે છે કે તેમની ઉંમર 35 વર્ષ છે અને તેમણે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. પોતાના દાદાએ લગભગ 40 વર્ષ પહેલા આ વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજે સુધી આ વ્યવસાય પરિવાર દ્વારા જ સંચાલિત થાય છે. હાલમાં તોફિક અને તેમના પિતા મળીને આ પરંપરાગત મીઠાઈઓ બનાવે છે.
“ગ્રામીણ વિસ્તારોમાં સાની અને ચીકીની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને શિયાળામાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરે છે,” તોફિક જણાવે છે.
શિયાળાની મોસમમાં લોકો ખાસ કરીને દ્રાયફ્રૂટ ભરેલી ચીકી વધુ પ્રમાણમાં પસંદ કરે છે. રોજના લગભગ 30 થી 50 કિલો સાની અને ચીકીનું વેચાણ થાય છે, જે આ વ્યવસાયની લોકપ્રિયતા બતાવે છે.
ગ્રાહકો માટે વિશેષ આકર્ષણ એ છે કે તમામ વસ્તુઓ લાઈવ, એટલે કે તેમના સામે જ તૈયાર કરવામાં આવે છે. આને કારણે લોકો વિશ્વાસપૂર્વક અહીંથી ખરીદી કરે છે.
ભાવ અને પ્રોડક્ટની વિગતો
એક કિલો સાદી સાની: ₹250 થી ₹350
દ્રાયફ્રૂટ ચીકી/સાની: ₹300 થી ₹400
સ્પેશ્યલ દ્રાયફ્રૂટ ચીકી: ₹400 પ્રતિ કિલો
ઉચ્ચ ગુણવત્તાવાળી દ્રાયફ્રૂટ, શુદ્ધ સામગ્રી અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેને કારણે સ્વાદ વર્ષોથી એકસરખો રહે છે. “40 વર્ષથી લોકો એ જ ટેસ્ટને પસંદ કરે છે એટલે જ અમે રીત બદલ્યા વગર પરંપરાગત રીતે બનાવીએ છીએ,” તોફિક કહે છે.
સાવરકુંડલાની ઓળખ બનેલ એકમાત્ર શોપ
સાવરકુંડલા શહેરમાં સાની અને ચીકી બનાવતી અને વેચતી આ એકમાત્ર શોપ છે. ગ્રામીણ વિસ્તારો સહિત શહેરના લોકો ખાસ કરીને અહીં આવ્યા વગર ચીકી ખરીદતા નથી. ઘણા લોકો તો વર્ષોથી અહીંની સાની અને ચીકી જ ખાતા આવ્યા છે.
પરંપરા, ગુણવત્તા અને વિશ્વાસ—આ ત્રણ પાસાંની સાથે તોફિક બાવલિયાનો વ્યવસાય માત્ર મીઠાઈ વેચતો નથી, પરંતુ સાવરકુંડલાની પરંપરા અને સ્વાદને પણ જીવંત રાખે છે. 40 વર્ષથી ચાલતા આ વ્યવસાયને આજે લોકોનો વિશ્વાસ અને સતત માંગ જાળવી રાખી છે, જે સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai