
સુરેન્દ્રનગર,11 ડિસેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે અકસ્માતમાં નોકરીના પ્રથમ દિવસે જ બે ભાઈની જિંદગીનો અંત આવી ગયો.બાઇકસવાર બે સગાભાઇ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો છે. આ અકસ્માતમાં ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે.
આ ગંભીર અકસ્માતમાં પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો, જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને એના નાના ભાઈ મયૂર નરશીભાઈ દેવીપૂજકને દિવસના 400 રૂપિયા લેખે નોકરી પર લગાડ્યા હતા. બંને ભાઇનો નોકરીનો આજે પ્રથમ દિવસ હતો.
બે ભાઇ સહિત ત્રણેય યુવકો આજે વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવિયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બાઇક ફંગોળાઇ ગઈ હતી. ત્રણેય યુવકો રોડ પર પટકાતાં માથું ધડથી અલગ થઇ ગયું હતું અને શરીરના છૂંદા નીકળી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં હાઇવે પર લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. સ્થાનિકો અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને 108ને જાણ કરતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે દસાડાના પીઆઇ વી.જે. માલવિયાએ જણાવ્યું હતું કે દસાડા પાસેના નાવિયાણી પાસે સર્જાયેલા અકસ્માતમાં એક જ બાઇકમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. લોકોના કહેવા પ્રમાણે, કોઈ અજાણ્યા ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી. બાઇકમાં સવાર ત્રણેય લોકો એરવાડા ગામના હોવાનું સામે આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે હાલ તો ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કયા વાહનની અડફેટે અકસ્માત સર્જાયો એ માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ