

પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળાએ તાજેતરમાં બાલમંદિર અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પિકનિકનું આયોજન કર્યું હતું. આ પિકનિકનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સામાજિકતા, સહકાર, પ્રકૃતિ પ્રત્યે આભારભાવ અને આનંદમય શૈક્ષણિક અનુભવો પ્રદાન કરવાનો હતો.
સવારે 8 વાગ્યે શાળામાં ભેગા થયેલા વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ સાથે પાટણની પવિત્ર નદી કિનારે સ્થિત શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરે લઈ જવામાં આવ્યા. અહીં બાળકોએ મહાદેવજીની આરતી કરી દર્શનનો લાભ લીધો અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કર્યો.
મંદિર દર્શન પછી બાળકોને નજીકના સહસ્ત્ર વનમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને વિવિધ વૃક્ષો અને ‘વૃક્ષ નારાયણ ભગવાન’ વિશે માહિતગાર કરવામાં આવ્યા. સાથે સાથે બાળકોને વૃક્ષોનું મહત્વ અને તેનું સંરક્ષણ કેવી રીતે કરવું તે સમજાવવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ