

- રાજ્ય ભરમાંથી 700થી વધુ ઋષિકુમારો વચ્ચે વેદ, વ્યાકરણ, સાહિત્યના કંઠપાઠ, શલાકાની સ્પર્ધા થશે.
અંબાજી, 12 ડિસેમ્બર (હિ.સ) : ભારતીય સંસ્કૃતિના મૂળ સ્તંભ સમા આપણા વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય અને સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિઘાર્થીઓ ઊંડાણપૂર્વક રસ લેતાં થાય એ માટે આ વર્ષે 14થી 17 ડિસેમ્બર દરમ્યાન અંબાજીસ્થિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયમાં 34મી રાજ્યસ્તરીય સ્પર્ધાનું આયોજન કરાયું છે. આમાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની 38 જેટલી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં રાજ્યનાં સંસ્કૃત મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા 700થી વધુ ઋષિકુમાર ભાગ લેશે. સ્પર્ધા માટે 130થી વધુ માર્ગદર્શકો, વિવિધ વિષયોના નિષ્ણાત નિર્ણાયકો, અધ્યાપકો અને પ્રધાનાચાર્યો ઉપસ્થિત રહેશે.
સ્પર્ધાના સંયોજક અને નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતાએ કહ્યું કે આ સ્પર્ધાને કારણે આપણી દેવભાષા સંસ્કૃત અને આપણી સંસ્કૃતિ જન-જન સુધી પહોંચે છે. વેદ, શાસ્ત્રો તથા પુરાણો વગેરેની જાણકારી લોકો સુધી પહોંચે અને આપણી સંસ્કૃતિની ધરોહર લુપ્ત ન થાય તે આશયથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ઋષિકુમારો સંપૂર્ણ ગ્રંથનું અધ્યયન કરીને નિરીક્ષકો સામે પ્રસ્તુત થશે. નિરીક્ષકો ગ્રંથનું કોઈ પણ પાનું ખોલીને કોઈ શબ્દ બોલશે એટલે ઋષિકુમાર એ શબ્દ પરથી મંત્રનું ઉચ્ચારણ શરૂ કરશે. અને નિરીક્ષક 'ઓમ્' ન કહે ત્યાં સુધી મંત્રોચ્ચારણ કરતા રહે છે. બીજા અને ત્રીજા તબક્કામાં ગહન ચર્ચા અને પ્રશ્નોત્તરી કરાશે. સ્પર્ધામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં નિયમ પ્રમાણે પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે મહાવિદ્યાલયને સૌથી વધુ અંક થાય તેને વિજય વૈજયંતી ટ્રોફી અપાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ