



પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર હાઇવે પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે પરંપરાગત શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં સિદ્ધપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આશરે 2500 હરિભક્તો, સંતો અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાવિ આચાર્ય વિજેન્દ્ર પ્રસાદે શાકોત્સવનો વઘાર કર્યો હતો.
શાકોત્સવની વિશેષતા એ છે કે તેમાં રીંગણના શાકનો પ્રસાદ અને બાજરીના રોટલા સ્વરૂપે ભોજન લેવાય છે, જેના કારણે તેનું નામ શાકોત્સવ પડ્યું છે. આ વર્ષે 2500 હરિભક્તો માટે 300 કિલો રીંગણ, 60 કિલો ઘી અને 300 કિલો બાજરીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉત્સવની પરંપરા વિશે મહંત ચંદ્રપ્રકાશ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શાકોત્સવનો પ્રારંભ સૌરાષ્ટ્રના લોયા ગામેથી થયો હતો. સુખા ખાચર નામના હરિભક્તના આગ્રહથી ભગવાને આ ઉત્સવ ઉજવવાનું કહ્યું હતું અને નજીકની વાડીમાં રીંગણ જોઈને શાકોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા આજદિન સુધી ચાલી આવે છે.
આ શનિવારે યોજાયેલા શાકોત્સવમાં ઉત્તર ગુજરાતના બિલિયા, ઊંઝા, મહેસાણા, પાલનપુર, ડીસા, ભાભર, અમદાવાદ અને પાટણ સહિતના વિસ્તારોમાંથી હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ભાવિ આચાર્ય વિજેન્દ્ર પ્રસાદ, મહંત કુંજવિહારી, મુની સ્વામી, વાસુદેવ સ્વામી, એસએસ સ્વામી, ચંદ્રપ્રકાશ દાસજી, વ્રજ વિહારી સ્વામી તેમજ સમાજસેવક ભરત મોદી સહિત અનેક સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ