
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સંકલનના સર્વે અધિકારીશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં “વિકસિત ગુજરાત ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવા માટે ચાલી રહેલી વિવિધ પ્રગતિલક્ષી કામગીરીની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) તથા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MDPI) સંબંધિત મુદ્દાઓ પર ખાસ ધ્યાનkendrit કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ચાલી રહેલા સર્વે, માહિતી સંકલન, ડેટાની ગુણવત્તા અને સમયસર અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે સાચા અને ચોક્કસ આંકડાઓના આધારે જ વિકાસની સાચી દિશા નક્કી કરી શકાય છે.
બેઠકમાં ગરીબી નાબૂદી, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા, રોજગાર અને મૂળભૂત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જે ક્ષેત્રોમાં પ્રગતિ ધીમી છે ત્યાં વધુ અસરકારક આયોજન અને ઝડપી અમલ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
સંદીપકુમારશ્રીએ તમામ સર્વે અધિકારીઓને સંકલન સાથે કાર્ય કરી સરકારની યોજનાઓના લાભો અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરવાની અપીલ કરી હતી. બેઠકના અંતે “વિકસિત ગુજરાત ૨૦૪૭” માટે સર્વાંગી વિકાસ હાંસલ કરવાની દિશામાં સૌ સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai