
અમરેલી,13 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ પાસા (PASA) અધિનિયમ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર સુરક્ષા માટે જોખમરૂપ બની રહેલા એક ભયજનક વ્યક્તિને પાસા હેઠળ ધરપકડ કરી પાલરા સ્પેશિયલ જેલ, કચ્છ ખાતે મોકલવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ) તથા અમરેલી સીટી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી હતી. આરોપી વ્યક્તિ સામે અગાઉથી ગુનાહિત પ્રવૃત્તિઓ, જાહેર શાંતિ ભંગ, તેમજ સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરવાની ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વારંવારની ચેતવણી અને કાયદેસર કાર્યવાહી છતાં સુધારો ન આવતા અંતે પાસા હેઠળ કાર્યવાહી કરવી જરૂરી બની હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પાસા અધિનિયમ હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાની સુરક્ષા, શાંતિ અને સુખાકારી જાળવવાનો છે. અમરેલી જિલ્લામાં કોઈ પણ પ્રકારની ગુનાખોરી, અસામાજિક પ્રવૃત્તિઓ કે જાહેર શાંતિને ખોરવતી પ્રવૃત્તિઓ સામે પોલીસ પ્રશાસન ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે.
આ કામગીરીથી ગુનાખોર તત્વોમાં કડક સંદેશો ગયો હોવાનું તેમજ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હોવાનું પોલીસ તંત્રે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai