

- દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સહભાગી થયા
સુરત/ગાંધીનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : સુરતમાં યોજાઇ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારીણી બેઠકના પ્રારંભ અવસરના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને દેશભરના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ આ કાર્યકારીણી બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં મોર્ડન અર્બન ડેવલપમેન્ટ મોડલની પહેલ 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી.
વેલ પ્લાન્ડ સિટી ડેવલોપમેન્ટ માટેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને આના પરિણામે વેગ મળ્યો અને 2005ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાને પગલે રાજ્ય સરકારે પણ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે. 2025ના આ શહેરી વિકાસ વર્ષમાં શહેરોની સ્વચ્છતા અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટમાં ગતિ આવી છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ આયોજનો અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના ગુજરાતના ઈનિસ્યેટિવ્ઝની પ્રભાવક પ્રસ્તુતિ આ મેયર્સ પરિષદમાં કરી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનથી શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની પહેલ ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં કરી છે. આ યોજનામાં ભૌતિક સુવિધાઓ, સામાજિક આંતરમાળખાકીય સવલતો સાથે અર્બન ગ્રીન મોબિલિટી, મુખ્યમંત્રી શહેરી સડક યોજનાને પ્રાથમિકતા આપવાથી ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે દેશને શહેરી ક્ષેત્રોમાં બી.આર.ટી.એસ. જનમાર્ગનું અને ઈ-સિટીબસ સેવાઓનું સફળ મોડલ આપ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અર્બન ટ્રાન્સફોર્મેશનમાં અનેક આઈકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયા છે તેમાં સુરત ડાયમંડ બુર્સ, રિવરફ્રન્ટ તો ગૌરવના પ્રતીક બન્યા છે એમ તેમણે કહ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ આપેલા ઇન્ક્લુઝિવ ગ્રોથના વિચારને પાર પાડવા નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનાવ્યો છે. રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે અને મોટા મહાનગરોની મહાનગરપાલિકાઓએ આવી નવી મહાનગરપાલિકાનું હેન્ડ હોલ્ડિંગ કરીને હોલીસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવી છે.
મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગવેલ-લિવિંગવેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત તમામ મેયરોને પ્રોત્સાહન આપતા કહ્યું કે, શહેરીકરણના પડકારને તક સમજીને જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા, શિક્ષણ, આવાસ, સુએઝ અને ગ્રીન એનર્જી સહિતના કાર્યો કરવાથી ચોક્કસ રીતે સુસંચાલિત નગર આયોજન કરી શકાય છે. તેમણે સમગ્ર દેશમાં ગ્રીન એનર્જી રાજ્ય તરીકે ઝડપથી આગેકૂચ કરીને વડાપ્રધાનશ્રીએ શરુ કરાવેલી સોલાર યોજના હવે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ થઇ હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે 48 ટકા શહેરીકરણનો ધ્યેય સિદ્ધ કર્યો છે. અને વર્ષ 2047 સુધીમાં 75 ટકાનો લક્ષ્યાંક પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે.
અખિલ ભારતીય મેયર્સ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રેણુબાલા ગુપ્તાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતે સમગ્ર દેશને વિકાસનો એક નવો રાહ ચીંધ્યો છે. અને ગુજરાતને દેશ માટે રોલ મોડલ બનાવ્યું છે તેનાથી અન્ય નગરના મેયરોને સ્વચ્છ, સ્માર્ટ અને સુવિધાસભર નગરના વિકાસ માટે માર્ગદર્શન મળશે.
આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, સુરતને સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યાં છે. વિકાસના સતત નવા આયામો સાથે આગળ વધતું સુરત દેશના અનેક શહેરો માટે સકારાત્મક સુધારાઓથી અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતની મહાનગરપાલિકાઓના મેયરઓ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સર્વ પ્રવિણ ઘોઘારી, પુર્ણેશ મોદી, સંગીતાબેન પાટીલ, પૂર્વમંત્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, કલેકટર સૌરભ પારધી, ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ દેસાઈ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, શાશકપક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા સહિત સુરત મહાનગર પાલિકાના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ