
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) આજે અમરેલી વર્તુળ કચેરી દ્વારા ઉર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ભવિષ્ય માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુ સાથે ભવ્ય ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કોશિક વેકારીયાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
“ઉર્જા બચાવો – ભવિષ્ય બચાવો”ના પ્રેરણાદાયક સંદેશ સાથે યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓ, નાગરિકો, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન ઉર્જા બચતના નારા, બેનરો અને પોસ્ટરો દ્વારા લોકોમાં વીજ બચત, નવિનીકરણીય ઊર્જાનો ઉપયોગ, પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવાની જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
મંત્રી શ્રી કોશિક વેકારીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજના સમયમાં ઉર્જા બચત માત્ર વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. વધતી વસ્તી અને ઉદ્યોગિક વિકાસને કારણે ઉર્જાની માંગ વધી રહી છે, ત્યારે જો દરેક નાગરિક પોતાની જવાબદારી સમજી ઉર્જા બચત તરફ આગળ વધશે તો દેશનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બની શકે છે. તેમણે એલઇડી લાઇટ, સોલાર ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમ સાધનોના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો હતો.
રેલીમાં નાગરિકોની ઉત્સાહભરી ભાગીદારી ખરેખર પ્રશંસનીય રહી હતી. આવા જનજાગૃતિ કાર્યક્રમો સમાજમાં સકારાત્મક વિચારધારા ઊભી કરીને પર્યાવરણને બચાવવા તથા આવનારી પેઢીને સ્વચ્છ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આયોજકોને આશા વ્યક્ત કરી કે આ પહેલ લોકોમાં લાંબા ગાળાની જાગૃતિ લાવશે અને ઉર્જા બચત એક જનઆંદોલન બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai