
મહેસાણા, 13 ડિસેમ્બર (હિ.સ.) : પશુપાલકો અને ખેડૂતોના હિત માટે સતત કાર્યરત રહેનારા અમુલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીની મહેસાણા દુધ ઉત્પાદક સંઘ લિ. એટલે કે દુધ સાગર ડેરીના ચેરમેન પદે સર્વસંમતિથી નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકથી ઉત્તર ગુજરાતના લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.
અશોકભાઈ ચૌધરી લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અમુલ ફેડરેશનના ચેરમેન તરીકે તેમણે દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ, દૂધના યોગ્ય ભાવ, આધુનિક પ્રોસેસિંગ સુવિધાઓ, પશુપાલન વિકાસ અને ખેડૂતોને સીધો લાભ મળે તેવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં અમુલ બ્રાન્ડે દેશ-વિદેશમાં વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા મેળવી છે.
દુધ સાગર ડેરીના ચેરમેન પદે તેમની નિમણૂંકથી ડેરીના વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન, દૂધ સંકલન વધારવા તેમજ પશુપાલકોને વધુ સુવિધાઓ અને લાભ આપવા દિશામાં નવી ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સહકારી ક્ષેત્રના આગેવાનો, પશુપાલકો અને ખેડૂતો દ્વારા અશોકભાઈ ચૌધરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR