
સુરત, 13 ડિસેમ્બર (હિ.સ.)-સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 87મું સફળ અંગદાન થયું છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તારાપુર ગામના વતની ૪૬ વર્ષીય બ્રેઈનડેડ જીતેન્દ્રભાઈ ઘેડિયાભાઈ ગાવીત બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનોએ માનવતાવાદી અભિગમ અપનાવી બે કિડનીનું દાન કરતા બે જરૂરિયાતમંદોને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ જીતેન્દ્રભાઈ વતન મહારાષ્ટ્રના તારાપુર ગામે ખેતરમાં વીણેલા કપાસને રિક્ષામાં ભરતા હતા એવામાં ચક્કર આવતા રિક્ષા ઉપરથી જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થતા પ્રાઈવેટ હોસ્પિટલમાં અને ત્યારબાદ ઈશરવાડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. સ્થિતિ ગંભીર હોવાથી 108 સેવા દ્વારા નંદુરબાર સિવિલ અને ત્યાંથી તા.૯મી ડિસે.એ સવારે 8.32 વાગ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
ICUમાં સઘન સારવાર બાદ પણ રિકવરી ન આવી. તા.12મીએ સવારેRMOડૉ.કેતન નાયક,પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા,ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ,ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા. ડૉ.નિલેશ કાછડીયા,ડૉ.કેતન નાયક અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ જીતેન્દ્રભાઈના પત્ની,પુત્ર અને પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે,દુ:ખના આ ક્ષણે વિચાર સાંત્વના આપે છે કે,અમારા સ્વજન હવે અન્યના શરીરમાં જીવંત રહેશે. તેમનો અંશ કોઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાવશે.
અંગદાનના બે કિડની અમદાવાદનીIKDRCહોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો,નર્સિંગ સ્ટાફ,સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે