

- નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના લાભાર્થીઓને ડી.બી.ટી.થી સહાય એનાયત
ગાંધીનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના 13 લાખથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રૂ.370 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય ડી.બી.ટી.થી એનાયત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનની નેમ પાર પડી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તેની ચિંતા કરીને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “બેટી પઢાવો” અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. આવા સમયે કોઈ રાજ્યનાં મુખ્યમંત્રી પોતે ગામેગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો નરેન્દ્ર મોદીએ દેશમાં બેસાડ્યો હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું.
એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમને મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતિ વધી. તેમજ શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવની સફળતાને પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ 37% થી ઘટીને બે ટકાથી પણ નીચો આવી ગયો હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એક સમયે ગામોમાં વિજ્ઞાન પ્રવાહની શાળોઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળોઓ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 2001માં માત્ર 775 કોલેજો હતી આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ધો.12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવુ હોય તો માત્ર 139 કોલેજ હતી, આજે એન્જિનિયરિંગ કોલેજની સંખ્યા 288એ પહોંચી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે 1175 મેડિકલ સીટો હતી. જે આજે 7000 હજારથી વધુ થઈ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મેડિકલમાં અભ્યાસ કરતી દિકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યારસુધીમાં રાજ્યની 24 હજારથી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતનું અને દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા આજના વિધાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલી ફ્લેગશિપ યોજનાઓ પૈકીની ચાર યોજનાઓ અંતર્ગત આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂ.370 કરોડથી વધુ રકમની શિષ્યવૃત્તિ સહાય સીધી જ DBT માધ્યમથી ટ્રાન્સફર થઈ છે. અત્યાર સુધીમાં, આ ચારેય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 13.50 લાખથી વધુ બાળકોને રૂ.1332 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યમાં શિષ્યવૃત્તિ વિતરણના પ્રસંગે જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ના નિર્માણમાં શિક્ષિત અને સક્ષમ સમાજનું નિર્માણ કરવા ગુજરાત સરકાર અડગ છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગ દેશના ભવિષ્ય એવા આજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી યોગ્ય દિશા આપવા સંકલ્પબદ્ધ છે. સરકાર દ્વારા શિક્ષણમાં કરવામાં આવેલું આ રોકાણ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ આવનારા સમયના વિકસિત ગુજરાતના નિર્માણનો મજબૂત પાયો છે. આ મહત્વપૂર્ણ પગલાં ગુજરાતના વિદ્યાર્થીઓના જીવનમાં નવી દિશા, નવી તક અને નવા સપનાઓ આપશે.
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપતી ચાર મહત્વપૂર્ણ યોજનાઓથી આવી રહેલા ફેરફારની વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાઓ થકી લાખો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. નમો લક્ષ્મી યોજનાએ દીકરીઓના સશક્તીકરણનું શક્તિશાળી માધ્યમ બની છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦.૪૯ લાખ દીકરીઓને રૂ. ૧,૦૩૩ કરોડની સહાય DBT દ્વારા ચૂકવાઈ છે. આના પરિણામે વિદ્યાર્થીનીઓની હાજરીમાં ૭૩ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે તેમજ ધોરણ ૧૨માં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં ૧૩.૫૯ ટકાનો વધારો નોંધાયો છે.
વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે આયોજિત આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજમાં હકારાત્મક બદલાવ તેમજ દરેક બાળકને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પા પટેલ, મેયર મીરા પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ ડો. આશીષ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર, નિયામક શાળાઓની કચેરી પ્રજેશ રાણા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ