
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી પંચાયત ઓફિસ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)ના કર્મચારીઓ માટે, વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ અચાનક ઊભી થતી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તરત અને યોગ્ય પ્રતિસાદ આપવા કર્મચારીઓને સજ્જ બનાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ૧૦૮ સેવાના નિષ્ણાત કર્મચારીઓએ સીપીઆર (CPR), ફર્સ્ટ એડ, કાર્ડિયાક અટેક, કન્વર્ઝન (ફિટ્સ) તથા પેરાલીસીસ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાયોગિક ઉદાહરણો અને ડેમો દ્વારા કર્મચારીઓને સરળ રીતે સમજાવવામાં આવ્યું કે, કેવી રીતે જીવ બચાવતી પ્રાથમિક મદદ આપી શકાય.
આ ઉપરાંત ૧૦૮ ઇમરજન્સી સેવાની કાર્યપદ્ધતિ, કોલ કરવાથી લઈને એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયા અંગે પણ વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. મુસાફરી દરમિયાન બસમાં કોઈ તાત્કાલિક ઘટના બને ત્યારે શું કરવું, કોને જાણ કરવી અને કેવી રીતે શાંતિપૂર્વક સ્થિતિ સંભાળવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમથી જીએસઆરટીસીના કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાયું હતું. આવા તાલીમ કાર્યક્રમો જાહેર પરિવહન વ્યવસ્થામાં મુસાફરોની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે અને માનવજીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai