
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવાના મામલે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પાટણ ક્લેક્ટરના આદેશ બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી અલ્પેશભાઈ બારોટ છે, જ્યારે આરોપીઓ મહેસાણાના અનિલભાઈ રબારી અને વિપુલભાઈ રબારી છે.
ફરિયાદ મુજબ, મોજે ધિણોજ (રેલ્વેપુરા) સીમની ખાતા નં. 2213, સર્વે નં. 1203/1 P2ની જમીન પર આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી વાવેતર કર્યું હતું. આ જમીન ફરિયાદીના પિતા ભુપેન્દ્રકુમાર બારોટના નામે હતી. 9 ઓગસ્ટ, 2023ના રોજ ફરિયાદીને કબજાની જાણ થઈ હતી અને 7/12ના ઉતારા બતાવ્યા છતાં આરોપીઓએ જમીન ખાલી કરી નહોતી.
ફરિયાદ બાદ પાટણ ક્લેક્ટરે 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ગુનો બનતો હોવાનું ઠરાવી 10 દિવસમાં કબજો ખાલી કરવાની નોટિસ આપવા આદેશ કર્યો હતો. કબજો પરત ન થતાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3), 5 તથા BNS એક્ટની કલમ 329(3) હેઠળ FIR નોંધવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ