
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)ખીમિયાણા ગામમાં એક પરિવારના ઘરમાં ચાર ફૂટ લાંબો ઝેરી ઇન્ડિયન કોમન ક્રેટ સાપ ઘૂસી આવતા પરિવાર તેમજ આસપાસના વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો. ઇન્ડિયન કોમન ક્રેટ સાપ ભારતના સૌથી ઝેરી સાપોમાંથી એક ગણાય છે, અને પાટણ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવા બનાવો અવારનવાર જોવા મળે છે.
આ ઘટનાની જાણ એક જીવદયા પ્રેમીએ અબોલ જીવ સેવા ટ્રસ્ટ, પાટણને કરી હતી. માહિતી મળતા જ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
સાપનું રેસ્ક્યુ થતાં ખીમિયાણા ગામના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા આ ઝેરી સાપને પાટણની સરસ્વતી નદીના પટમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ