
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)પાટણની સુજનીપુર સબ જેલમાં વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે તા. 13 ડિસેમ્બર, 2025ના રોજ HIV/AIDS જાગૃતિ અને સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટીબી અધિકારી ડૉ. દેવેન્દ્રભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ધારપુર, HCTS, DSRC, NVHCP અને GSNP+ દ્વારા સંયુક્ત રીતે આ કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જેલના કુલ 80 બંદીવાનોએ ભાગ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ બંદીવાનોમાં HIV/AIDS, હિપેટાઇટિસ બી અને સી જેવી બીમારીઓ અંગે સાચી સમજ વિકસાવવાનો તથા ગેરમાન્યતાઓ દૂર કરવાનો હતો.
કેમ્પ દરમિયાન બંદીવાનોને સિફિલિસ, હિપેટાઇટિસ બી અને સી તેમજ HIV/AIDS જેવા જાતીય રોગોના ફેલાવાના કારણો, તેની સારવાર અને બચાવ અંગે વિસ્તૃત માહિતી અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જેલ અધિક્ષક બી.ટી. દેસાઈ, મેડિકલ ઓફિસર ડૉ. નીતિન પ્રજાપતિ સહિત જેલ સ્ટાફ અને GMERS ધારપુરના કાઉન્સેલર તથા GSNP+ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સૌએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, સુરક્ષા અને સાવચેતી અપનાવવા તેમજ સામાજિક ભેદભાવ દૂર કરવાની અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ