જામનગરમાં હજુ શિયાળાની જમાવટ ન થતાં જીરૂ, ઘઉં, ચણા, ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડાની ભીતિ
જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં હજુ શિયાળાની જમાવટ ન થતાં જીરૂ, ઘઉં, ચણા, ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડાની ભીતિથી ખેડૂતો ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાયા છે. જિલ્લામાં કડકડતી ઠંડી ન પડતા શિયાળુ પાકની ગુણવતા પણ નબળી રહેવાનો કૃષિ તજજ્ઞોએ સ્પષ્ટ મત વ્યક
ખેડૂત


જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં હજુ શિયાળાની જમાવટ ન થતાં જીરૂ, ઘઉં, ચણા, ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડાની ભીતિથી ખેડૂતો ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાયા છે. જિલ્લામાં કડકડતી ઠંડી ન પડતા શિયાળુ પાકની ગુણવતા પણ નબળી રહેવાનો કૃષિ તજજ્ઞોએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

હજુ બપોરના સમયે આકરા તડકાથી જીરૂના છોડ અને ડુંગળીના પાકમાં ટોચ બળી જાય તો ઘઉંના પાકમાં ડૂંડી બરોબર ન થાય તેમ કૃષિ તજજ્ઞોએ ઉમેર્યું છે. જોઇએ તેવી ઠંડી ન પડતા શિયાળુ પાકની ગુણવતા અને ઉત્પાદન ઘટાડાથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે તેવી પૂરેપૂરી શકયતા છે.

રાજયના અન્ય જિલ્લાની સાથે જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સતત બે સીઝનમાં માવઠાના મારથી પાકને ભારે તારાજીથી આર્થિક ફટકો પડતા ખેડૂતોની કમર ભાંગી ગઇ છે. જેની કળ હજુ સુધી ખેડૂતોને વળી નથી. કારણ કે, સરકાર દ્વારા નજીવી સહાય જાહેર કરવામાં આવી છે.

આટલું જ નહીં, કૃષિ સહાય પણ ગોકળગાયની ગતિએ મળી રહી છે. જેના કારણે માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કપરી સ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલી અને ચિંતા વધી છે. કારણ કે, સામાન્ય રીતે જામનગર જિલ્લામાં નવેમ્બર મહીનાથી ઠંડીની ઋતુનો પ્રારંભ થાય છે. શરૂઆતમાં ગુબાબી ઠંડી બાદ ડીસેમ્બર મહીનામાં તો કડકડતી ઠંડી પડે છે. પરંતુ ચાલુ વર્ષે ડીસેમ્બર મહીનાના પખવાડીયા બાદ પણ જિલ્લામાં શિયાળાએ હજુ જમાવટ કરી નથી.

કારણ કે, હજુ સુધી એક પણ વખત તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. આથી કડકડતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો નથી. આ કારણોસર શિયાળુ પાકને નુકસાનની ભીતિ પણ ઉભી થઇ છે.

કૃષિ તજજ્ઞોના જણાવ્યાનુસાર શિયાળુ પાક માટે હાડ થીજાવતી ઠંડી જરૂ રી છે. કારણ કે, જેમ વધુ ઠંડી તેમ શિયાળુ જીરૂ, ઘઉં, ચણા અને ડુંગળીના પાકનું વધુ અને ગુણવતાયુકત ઉત્પાદન થાય છે. પરંતુ ચાલુ વર્ષે શિયાળાએ હજુ જમાવટ કરી નથી. બપોરના સમયે હજુ પણ આકરો તડકો પડી રહ્યો છે.

આથી આકરો તાપ જીરૂના છોડને બાળી નાખે છે. જયારે ડુંગળીના પાકમાં ટોચ બળી જાય છે. આટલું જ નહીં ઘઉંના પાકમાં ડૂંડી બરોબર થતી નથી તો વહેલી થઇ હોય ત્યાં તેનો વિકાસ બરોબર થતો નથી. આટલું જ નહીં ચણાના પાકમાં છોડનો વિકાસ રૂધાઇ જાય છે.

જેના કારણે બજારમાં હજુ જોઇએ તેવી માત્રમાં ઝીંઝરાની આવક નથી તો ભાવ પણ ખૂબ ઉંચા છે. જામનગર જિલ્લામાં શિયાળાની સીઝન શરૂ થયાને દોઢેક મહીનો થવા છતાં હજુ તીવ્ર ઠંડી ન પડતા શિયાળુ પાકના ઉત્પાદન અને ગુણવતાને માઠી અસર થવાની પૂરેપૂરી શકયતા હોય ખેડૂતો ભારે ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાયા છે. ત્યારે જો કડકડતી ઠંડી નહીં પડે તો માવઠા બાદ ખેડૂતોને વધુ એક વખત આર્થિક ફટકાની શકયતા નકારી શકાતી નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande