
સોમનાથ,13 ડિસેમ્બર (હિ.સ.) વહીવટી તંત્ર દ્વારા લોકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા ગીરગઢડા તાલુકાના પીછવી ગામે રાત્રિસભા યોજાઈ હતી.નાગરિકોએ કલેક્ટર સમક્ષ ગટરના લીકેજ, ગામથી સ્મશાન સુધીના રસ્તાનું દૂરસ્તીકરણ, પીછવીથી બાયપાસનો રસ્તો, પીછવીથી ફરેડાને જોડતો કાચો રસ્તો પાક્કો બનાવવા અંગે, વાડી વિસ્તારના બિસ્માર રસ્તાઓનું દૂરસ્તીકરણ, નવી આંગણવાડી બનાવવા અંગે, વહેતુ પાણી અટકાવી ખેતીના પાણી માટે બોરિબંધ, ખેતતળાવના નિર્માણ જેવી સમસ્યાઓ રજૂ કરી હતી.
કલેક્ટરએ ધ્યાનપૂર્વક તમામ રજૂઆતો સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રાથમિકતા આપી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.વધુમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા વર્ષ 2002 ની મતદારયાદીમાં મેપિંગ થયું ન હોય એવા મતદારોની યાદી રજૂ કરવામાં આવી હતી.
કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત જેનું મેપિંગ થયું ન હોય એવા મતદારોને ગ્રામજનોના માધ્યમથી સંદેશો પહોંચાડવા અપીલ કરી હતી.
કલેક્ટરએ આંગણવાડીના બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળે, હાઈ રીસ્ક ધરાવતી ધાત્રિ માતા અને સગર્ભા માતાની કાળજી લેવા તેમજ અતિ અને મધ્યમ કુપોષિત બાળકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા લાડુ વિતરણ, ગ્રામજનોને ૧૦૦% આયુષ્માનકાર્ડ મળી જાય એ રીતે ક્ર્ય કરવા સહિત ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ ફાળવેલી હોય તેમાંથી સૌપ્રથમ ગ્રામના રસ્તાનું દુરસ્તીકરણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.ઉપરાંત તેમણે સ્મશાન નીમ થાય પછી છાપરી બનાવવા તાત્કાલીક ધોરણે રૂ1.50 લાખ ફાળવવા તૈયારી દર્શાવી હતી.
ખેતીવાડી અધિકારી વિમલ પટેલે કૃષિ રાહત પેકેજ માટે કરવામાં આવેલી અરજીઓ અને ત્વરીત સહાય અંગે માહિતી રજૂ કરી હતી અને નાયબ પોલીસ અધિક્ષક ચૌધરીએ યુવાનો પોલીસ વિભાગમાં પસંદગી પામે તે માટેની તબક્કાવાર યોગ્ય તૈયારીઓ વિશે માહિતગાર કર્યા હતા.આ રાત્રિસભામાં નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર અને માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય સહિતના વિભાગના અધિકારીઓ, પીછવીના સરપંચ કાનાભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ