સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કુંડલિ નિર્માણ કાર્યશાળાનું સમાપન
ગીર સોમનાથ, 13 ડિસેમ્બર (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના જ્યોતિષ વિભાગ દ્વારા કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લીના આર્થિક સહયોગથી પાંચ દિવસીય કુંડલી નિર્માણની પ્રાયોગિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. તેનો સમાપન સમારોહ શુક્રવાર
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,


ગીર સોમનાથ, 13 ડિસેમ્બર (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના જ્યોતિષ વિભાગ દ્વારા કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લીના આર્થિક સહયોગથી પાંચ દિવસીય કુંડલી નિર્માણની પ્રાયોગિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. તેનો સમાપન સમારોહ શુક્રવારે યુનિવર્સિટી પરિસર ખાતે યોજાયો.

વર્તમાન ટેકનોલોજીના સમયમાં આ કાર્યશાળામાં સમગ્ર દેશભરમાંથી ૪૫ પ્રતિભાગીઓએ ઉપસ્થિત રહી ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત કુંડલીનિર્માણ માટેના વિવિધ પાસાઓ જેવા કે પંચાંગ પરિચય, ઇષ્ટકાલ સાધન, સ્પષ્ટ દેશાંતર સાધન, ગ્રહસ્પષ્ટીકરણ, લગ્નસાધન, દશા-અંતર્દશા-મહાદશા, પ્રશ્ન-ગોચર-વર્ષ વગેરે કુંડલીઓનું નિર્માણ વગેરે વિષયોનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. કાર્યશાળામાં મુખ્ય વ્યાખ્યાતાઓ તરીકે ડૉ.નિત્યાનંદ ઓઝા, ડૉ.રમેશચંદ્ર શુક્લ, ડૉ.ગણેશ ત્રિપાઠી, ડૉ.કૃષ્ણકુમાર ભાર્ગવ, ગિરિશ ગર્ગ વગેરેએ માર્ગદર્શન અને પ્રાયોગિક પ્રશિક્ષણ આપ્યું હતું. સમગ્ર કાર્યશાળાના સંયોજક તરીકે યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.નિત્યાનંદ ઓઝાએ કામગીરી કરી હતી.

આ સમાપન સમારોહમાં સારસ્વત અતિથિ તરીકે રાષ્ટ્રીય સંસ્કૃતવિશ્વવિદ્યાલય, તિરૂપતિનાં ડૉ. કૃષ્ણકુમાર ભાર્ગવ, અધ્યક્ષરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના અનુસ્નાતકવિભાગનાં નિદેશક પ્રો.વિનોદકુમાર ઝા, અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા, યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રધાનાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા સહિતના મહાનુભાવો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યાં.

મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી સમાપન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ અત્રેના જ્યોતિષવિભાગનાં અધ્યક્ષ ડૉ.નિત્યાનન્દ ઓઝાએ મહાનુભાવોના પરિચય સાથે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત અને કાર્યશાળાનું પ્રતિવેદન કથન કર્યું હતુ.

સારસ્વત અતિથિ તરીકે રાષ્ટ્રીય સંસ્કૃતવિશ્વવિદ્યાલય, તિરૂપતિનાં ડૉ.કૃષ્ણકુમાર ભાર્ગવે કહ્યું કે- હાલ આ સંસારમાં જ્યોતિષ વિષયનું જ્ઞાન કેટલું આવશ્યક અને એપ્લિકેશન દ્વારા કુંડલી પ્રાપ્ત થાય તે અને જે ગાણિતિક પ્રક્રિયા દ્વારા જે કુંડલી પ્રાપ્ત થાય છે તે બન્ને વચ્ચે કેટલું અંતર રહેલું છે, તેના વિશે જણાવ્યું હતું.

આ કાર્યક્રમના વિશિષ્ટાતિથિ એવા અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ કહ્યું કે, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનાં આર્થિક સહયોગથી અત્રેની યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ૫-દિવસીય કુંડલી નિર્માણની પ્રાયોગિક કાર્યશાળાના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને મારા અભિનંદન અને અભિવંદન છે. ભવિષ્ય વિશે જાણવાની બધાની ઇચ્છા હોય છે, પણ કુંડલીનું નિર્માણ કરવું તે સરળ હોતું નથી. આવી રીતે જ્યોતિષ વિષયક જ્ઞાનની ચર્ચા કરીને કાર્યશાળાના સંયોજકને અભિનંદન પાઠવ્યા હતા.

અંતે, મંચસ્થ મહાનુભાવો હસ્તે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના જ્યોતિષવિભાગનાં સહાયકાચાર્ય ડૉ.રમેશચન્દ્ર શુક્લાએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને પૂર્ણતા મંત્રથી સમાપન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો. સમાપન સત્રનું મંચસંચાલન અમન શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું સંપૂર્ણ સંયોજન જ્યોતિષવિભાગનાં અધ્યક્ષ ડૉ.નિત્યાનન્દ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande