
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ અમરેલી તાલુકાના શેડુભાર ગામ ખાતે આવેલ હર ભોલે પંચસ્તરીય મોડલ ફાર્મમાં ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પંચસ્તરીય ખેતી પદ્ધતિ અને ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવાના નવીન અભિગમથી અવગત કરાવવાનો હતો.
પ્રેરણા પ્રવાસ દરમિયાન ખેડૂતોને હર ભોલે પંચસ્તરીય મોડલ ફાર્મની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પંચસ્તરીય ખેતી પદ્ધતિમાં એક જ જમીનમાં વિવિધ સ્તરે અલગ–અલગ પાક ઉગાડી વધુ આવક મેળવવાની રીત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પદ્ધતિથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે તેમજ પાણી અને ખાતરનો યોગ્ય ઉપયોગ થતો હોવાનું સમજાવવામાં આવ્યું.
આ પ્રસંગે જીવામૃત બનાવવાની પ્રક્રિયાનો જીવંત ડેમો પણ આપવામાં આવ્યો હતો. જીવામૃતમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, તેની તૈયારીની રીત, પાક પર તેનો લાભ અને જમીનની આરોગ્યમાં થતો સુધારો અંગે ખેડૂતોને પ્રાયોગિક સમજ આપવામાં આવી. નિષ્ણાતોએ જણાવ્યું કે જીવામૃતના નિયમિત ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે અને રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટે છે.
પ્રવાસમાં ભાગ લેનારા ખેડૂતોે આ મોડલ ફાર્મને ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. તેમણે આવી પ્રાકૃતિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવી ખેતીને વધુ નફાકારક બનાવવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai