
જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ કેસમાં કોર્ટે આરોપીઓને તાત્કાલિક તમામ વાંધાજનક સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.આ અંગેની કોર્ટની કાર્યવાહીથી પરિમલભાઈ નથવાણીને તાત્કાલિક રાહત મળી છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા માનહાનિકારક કન્ટેન્ટને 48 કલાકની અંદર હટાવી દેવાનો કોર્ટે આદેશ આપ્યો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે રીતે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા હતા. આ તમામ લોકો સામે કોર્ટમાં 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. જેમાં કોર્ટ દ્વારા સંડોવાયેલા તમામને બદનક્ષીભરી સામગ્રીને ઉતારી લેવા ફરમાન કરવામાં આવ્યું છે.
રાજ્યસભા સાંસદે ટ્વિટ કરી લખ્યું કે, મેં સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે મારા વિશે ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
શુક્રવારે, કોર્ટે સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા. કોર્ટે મારા વિરુદ્ધ કરવામાં આવેલી બધી બદનક્ષીભરી પોસ્ટ તાત્કાલિક દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે, જેનાથી મને વચગાળાનું રક્ષણ મળ્યું છે. હું મારી પ્રામાણિકતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છું અને પાયાવિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા કે મારી પ્રતિષ્ઠાને કલંકિત થવા દઈશ નહીં. સત્ય માટે ઊભા રહેવામાં મને ટેકો આપનારા દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt