
મહેસાણા,13 ડિસેમ્બર (હિ.સ.)
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, મહેસાણા કચેરીની તપાસ ટીમ દ્વારા મોજે રામપુર (કોટ), તા. વિજાપુર, જી. મહેસાણા ખાતે સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનિજનું ખનન થતું હોવાનું બહાર આવતાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક સેની કંપની દ્વારા બિનાધિકૃત ખનન કરવામાં આવતું હોવાનું જણાતા સ્થળ પરથી ૦૧ એક્સકેવેટર મશીન, ૦૧ લોડર મશીન તેમજ ૦૩ ટ્રકો મળી કુલ રૂ. ૧.૬૦ કરોડની કિંમતનો મુદ્દામાલ અટકાયત કરવામાં આવ્યો હતો.
તપાસ ટીમ દ્વારા નદીપટ્ટ વિસ્તારમાંથી ખનન કરાયેલા સાદી રેતી ખનિજના ખાણકામ વિસ્તારની માપણી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરી ખનન કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ થતાં સંબંધિત જવાબદાર ઈસમો સામે વધુ તપાસ તથા દંડકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ કામગીરીથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, નદીપટ્ટ વિસ્તારમાંથી સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ પ્રમાણમાં ખનિજ વહન કરવામાં આવતું હોવાનું જણાતા અંદાજિત રૂ. ૧ કરોડની કિંમતના અન્ય ૦૪ ડમ્પરો પણ અટકાયત કરવામાં આવ્યા હતા. આ કેસમાં જવાબદાર ઈસમો ઉપર કુલ રૂ. ૪.૮૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી રૂ. ૩.૪૦ લાખની વસૂલાતની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.
ભૂસ્તરશાસ્ત્ર વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નદીપટ્ટ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા રાખવામાં આવશે. આવનાર દિવસોમાં પણ નિયમિત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહેશે, જેથી કુદરતી સંસાધનોનું સંરક્ષણ થઈ શકે અને કાયદાનો ભંગ કરનાર તત્વોમાં ભય સર્જાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR