
મહેસાણા, 13 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણાના મામલતદાર એ શહેરની શાળા નંબર 7 ખાતે આવેલ મધ્યાહ્ન ભોજન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મધ્યાહ્ન ભોજન યોજનાની કામગીરી, સ્વચ્છતા, રસોઈ પ્રક્રિયા તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભોજનની ગુણવત્તા અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. મામલતદારએ કેન્દ્ર ખાતે હાજર રહેલા રસોઈ સ્ટાફ, સંચાલકો અને શિક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન ભોજન તૈયાર કરવાની જગ્યા, પાણીની વ્યવસ્થા, કાચા માલનો જથ્થો, ગેસ સલામતી તેમજ સ્વચ્છતાની સ્થિતિ ચકાસવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન સ્વાદિષ્ટ, પોષણયુક્ત અને સરકારના નક્કી કરેલા ધોરણ મુજબ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. મામલતદારએ ભોજનની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્ટાફને નિયમિત સ્વચ્છતા જાળવવા તેમજ સમયસર ભોજન વિતરણ કરવાની સૂચના આપી હતી.
શાળાના આચાર્ય તથા શિક્ષકવર્ગે મધ્યાહ્ન ભોજન યોજનાથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. મામલતદારએ સરકારની આ યોજનાનો લાભ દરેક વિદ્યાર્થી સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે નિયમિત નિરીક્ષણ જરૂરી હોવાનું જણાવ્યું અને ભવિષ્યમાં પણ આવી મુલાકાતો લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR