ગિલોસણ ગામેથી ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા ઇસમને મહેસાણા તાલુકા પોલીસે ગાંજા સાથે ઝડપ્યો
મહેસાણા, 13 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ દ્વારા નશાબંધી સામે કડક કાર્યવાહી કરતા ગિલોસણ ગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતા એક ઇસમને ગાંજાની જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેસાણા તાલુક
ગિલોસણ ગામેથી ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા ઇસમને મહેસાણા તાલુકા પોલીસે ગાંજા સાથે ઝડપી NDPS હેઠળ કાર્યવાહી


મહેસાણા, 13 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ દ્વારા નશાબંધી સામે કડક કાર્યવાહી કરતા ગિલોસણ ગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતા એક ઇસમને ગાંજાની જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસની ટીમે આયોજનબદ્ધ રીતે રેડ કરી આરોપીને રંગેહાથ પકડ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી ગાંજાનો સંગ્રહ કરી તેનો વેપાર કરતો હોવાની વિગતો બહાર આવી હતી. આ બાબતે પોલીસે તાત્કાલિક NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલ ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન પંચનામું કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી ક્યાંથી ગાંજો લાવતો હતો, કોને વેચાણ કરતો હતો તથા તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા તાલુકા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશાબંધી માટે સકારાત્મક સંદેશો ગયો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande