
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી બિજલસિંહ હેમાજી રાઠોડને દોષિત ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે સાથે કોર્ટે આરોપી પર કુલ રૂ. 55,000નો દંડ પણ કર્યો છે.
સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ બી.કે. બારોટે 26 પાનાના ચુકાદામાં પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 7 અને 8 હેઠળ 10 વર્ષની સખ્ત કેદ અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત IPC કલમ 363 અને 366 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. 5,000નો દંડ પણ કરવામાં આવ્યો છે.
કેસની વિગતો મુજબ, પાટણના દક્ષિણ વિસ્તારમાં રહેતા એક વેપારીની 17 વર્ષીય પુત્રી 16 ઓક્ટોબર, 2020ના રોજ સિવણ શીખવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. બાદમાં તેના પિતાએ પાટણ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન કિશોરી મળી આવી હતી. તેણે જણાવ્યું હતું કે આરોપી તેને ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું. સરકારી વકીલ જનકભાઈ ઠક્કરની દલીલો બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી તેમજ પીડિતાને રૂ. 4 લાખનું વળતર આપવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ