
સુરત, 13 ડિસેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના માંડવી નગરમાં એક મહિલા દર્દીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન માટે ધર્મપરિવર્તન કરવા દબાણ કરવાના ચકચારી મામલે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી ડૉક્ટરની ધરપકડ બાદ હવે આ ધર્માંતરણ પ્રવૃત્તિમાં સંડોવાયેલા તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે, જે વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે.
માંડવી ખાતે દવાખાનું ધરાવતા ડૉ. અંકિત રામજીભાઈ ચૌધરી (ઉં.વ. 30) પર આરોપ છે કે, પતિની સારવાર માટે આવતી એક મહિલાને તેણે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ડૉક્ટરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને શરત મૂકી કે, “જો તું તારા આખા પરિવારનું ધર્મપરિવર્તન કરાવે તો જ હું તારી સાથે લગ્ન કરીશ.” આ બાબતે પીડિતાએ 16 મે 2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે, ડૉ. અંકિતના પિતા રામજીભાઈ ડુબલભાઈ ચૌધરી (ઉં.વ. 56)ની પણ આ ગુનામાં ગંભીર સંડોવણી હતી. રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. સાથે જ તેઓ ખ્રિસ્તી ધર્મમાં ‘પાસ્ટર’ તરીકે પણ પ્રવૃત્તિ કરતા હતા. તેમણે વર્ષ 2014માં ‘The Pray for Everlasting Life Charitable Trust’ નામે ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેઓ તેના પ્રમુખ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, માંડવી પંથકના લોકો બીમારીમાં ડૉ. અંકિત પાસે સારવાર માટે જતા હતા, જ્યાંથી ડૉક્ટર તેમને પોતાના પિતા રામજીભાઈનો સંપર્ક કરાવી આપતો હતો. રામજીભાઈ પ્રાર્થના, બાધા રાખવાના બહાને ધાર્મિક વિધિઓ કરાવી ગરીબ અને ભોળી પ્રજાને લલચાવી-ફોસલાવી ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.
આ કેસની તપાસ માંગરોળ DySP બી.કે. વનારા દ્વારા કરવામાં આવી હતી. પૂરતા પુરાવાના આધારે પોલીસે રામજીભાઈ ચૌધરીને ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ-2021ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
હાલ પોલીસ ટ્રસ્ટના આવકના સ્ત્રોતો તેમજ આ ધર્માંતરણ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે સઘન તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે