
સોમનાથ 13 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના દિશા દર્શનમાં મળેલી આ સફળતાને પગલે રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતાઓ, ક્ષમતાઓ અને આર્થિક વિકાસ સંભાવનાઓને ઉજાગર કરવા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનનો નવતર અભિગમ અપનાવ્યો છે.
રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથ માટેની દિશા દર્શક આ વી.જી.આર.સી.ની ચાર એડિશન રાજ્યમાં યોજવાના આયોજન રૂપે આગામી 10 થી 12 જાન્યુઆરી,2026 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વી.જી.આર.સી. રાજકોટમાં યોજાવાની છે.
આ વી.જી.આર.સી.માં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા માટે તેમની સમક્ષ વી.જી.આર.સી.ની વિશેષતાઓની પ્રસ્તુતિ અને વિકાસ સંભાવના ધરાવતા સેક્ટર્સ અંગે ચર્ચા મંથન માટે રાજ્ય સરકાર દ્વારા નવી દિલ્હીમાં ચર્ચા સંવાદ સત્રનું શુક્રવાર ૧૨મી ડિસેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું
પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે અનુરૂપ અને ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇકોનોમીઝ માટે ગુજરાતની વિશેષતાઓ આ સંવાદ સત્રમાં પ્રસ્તુત કરવામાં આવી હતી.
ખાસ કરીને ફિશરીઝ, પોર્ટ્સ, ધોલેરા એસ.અઈ.આર., ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની તકો પર અર્થપૂર્ણ સંવાદ અને બી ટુ બી માટેની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા પરામર્શ થયા હતા. તેમજ વી.જી.આર.સી.માં પાર્ટનર કન્ટ્રી બનવાના ફાયદાઓ, નેટવર્કિંગ, લોજિસ્ટિક સપોર્ટ વિષયક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
મહેસાણામાં ઉત્તર ગુજરાત પ્રદેશની પ્રથમ વી.જી.આર.સી.ને મળેલી સફળતા અને 3.24 લાખ કરોડના રોકાણ એમ.ઓ.યુ.ની વિગતો આ ચર્ચા સત્રમાં ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપે આપી હતી.
આ સંવાદમાં રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, યુ.એ.ઈ., ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, શ્રીલંકા, ઓમાન, આઇસલેન્ડ, ગુયાના, રવાન્ડા, સાઉથ આફ્રિકા, કતાર, તાંઝાનિયા, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન સહિત ૨૦થી વધુ દેશોના વિદેશી મિશન અને દૂતાવાસોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ભારત સરકારના DPIITના સંયુક્ત સચિવ, મત્સ્યઉદ્યોગના સંયુક્ત સચિવ અને ઇન્વેસ્ટ ઇન્ડિયાની રાજ્ય સુવિધા ટીમ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, આર્થિક બાબતોના સચિવ શ્રી આરતી કંવર, સચિવ સંદીપ કુમાર, ઉદ્યોગ કમિશનરપી. સ્વરૂપ, પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના CEO રાજકુમાર બેનીવાલ, રેસીડેન્ટ કમિશનર અને મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને ધોલેરા SIRના CEO કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ