અમરેલી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ‘સરગવો એ જ સંજીવની’ કૃતિનું વિશેષ બહુમાન
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લીલીયા તાલુકાની હરિપર પ્રાથમિક શાળાની ઉત્તમ કૃતિ “સરગવો એ જ સંજીવની” ને જિલ્લાના અધિકારીઓ દ્વારા વિશેષ બહુમાન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થી
અમરેલી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ‘સરગવો એ જ સંજીવની’ કૃતિનું વિશેષ બહુમાન


અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લીલીયા તાલુકાની હરિપર પ્રાથમિક શાળાની ઉત્તમ કૃતિ “સરગવો એ જ સંજીવની” ને જિલ્લાના અધિકારીઓ દ્વારા વિશેષ બહુમાન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે આરોગ્ય અને પોષણને લગતી મહત્વપૂર્ણ રજૂઆત કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ કૃતિ બાળ વૈજ્ઞાનિકો કરિશ્મા આર. ગોગદાણી (ધોરણ ૭) અને તૃપ્તિ બી. વાઘેલા (ધોરણ ૮) દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કૃતિમાં સરગવાના પાન, ફૂલ અને શીંગોના પોષક તત્ત્વો, આરોગ્યલક્ષી લાભો તથા દૈનિક જીવનમાં તેના ઉપયોગ વિશે સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સરગવાને “સંજીવની” તરીકે ઓળખાવી તેની ઔષધીય ગુણધર્મો અંગે માહિતી રજૂ કરી હતી.

આ ઉત્તમ માર્ગદર્શન માટે શાળાના માર્ગદર્શક શિક્ષક રાજેશભાઈ પાનસુરીયાની પણ પ્રશંસા કરવામાં આવી હતી. જિલ્લા અધિકારીઓ દ્વારા બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકને પ્રમાણપત્ર, ગોલ્ડ મેડલ, શિલ્ડ અને ફોલ્ડર ફાઇલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિદ્ધિથી શાળામાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ બાળકોની વૈજ્ઞાનિક દૃષ્ટિ અને નવીન વિચારશક્તિને બિરદાવતાં જણાવ્યું હતું કે આવા પ્રયાસો ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande