
અમરેલી,13 ડિસેમ્બર (હિ.સ.)
મહેસાણા તાલુકાના જગુદણ ગામે આજરોજ યુનિસેફની ટીમ દ્વારા પાણી અને સ્વચ્છતા સંબંધિત વિવિધ અસ્કયામતોની વિસ્તૃત ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છતા સુવિધાઓ અને આરોગ્યલક્ષી પરિસ્થિતિઓની સ્થિતિ જાણવી અને તેને વધુ મજબૂત બનાવવાનો હતો.
યુનિસેફ ટીમે ગામમાં આવેલી પાણી પુરવઠા વ્યવસ્થા, ઓવરહેડ ટાંકી, હેન્ડપંપ, નળજોડાણ, શૌચાલયોની સ્થિતિ તેમજ ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. સાથે જ પાણીની ગુણવત્તા, નિયમિત પુરવઠો અને જાળવણી અંગે સ્થાનિક અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ગ્રામજનો, મહિલા મંડળ, આશા બહેનો અને સ્વચ્છતા કાર્યકરો સાથે સંવાદ યોજાયો હતો, જેમાં સ્વચ્છતા, હાથ ધોવાની આદતો, શૌચાલયનો ઉપયોગ, ખુલ્લામાં શૌચ મુક્ત ગામની સ્થિતિ અને સ્વચ્છ પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ પોતાની સમસ્યાઓ અને સૂચનો રજૂ કર્યા હતા.
યુનિસેફ ટીમે સ્વચ્છતા અને પાણી વ્યવસ્થામાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કેટલાક ક્ષેત્રોમાં સુધારાની જરૂરિયાત દર્શાવી હતી. ભવિષ્યમાં ગામને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને ટકાઉ બનાવવા માટે ગ્રામ પંચાયત, સરકારી તંત્ર અને સ્થાનિક લોકોના સહયોગથી સતત પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR