



પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.) : ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન પોરબંદર ખાતે જુદી-જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને ગત બે વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળ પરિવાર અને મોદી પરિવાર દ્વારા પ્રવાસી બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન પ્રસાદીના સેવાયજ્ઞનું રેલ્વે સ્ટેશન સામે ભાણજી લવજી સેનેટરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેનો રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિયાળ પરિવારના મોભી રણછોડભાઈ શિયાળ અને મનુભાઈ મોદીના હસ્તે શરૂઆત થઇ છે. ભોજન પ્રસાદીના પ્રથમ દિવસે નાલંદા હાઈસ્કૂલ અંકલેશ્વરના 125 બાળકો અને 10 શિક્ષકો સહીત 135, સાર્વજનિક વિદ્યાલય ગેડી રાપર કચ્છ ના 105 બાળકો અને 6 શિક્ષકો સહીત 111 અને કાંસા -2 પ્રાથમિક શાળા તા. સરસ્વતી જી. પાટણ, કાંસા ના 55 બાળકો અને 10 શિક્ષકો સહીત 65 મળી કુલ 311 પ્રવાસી બાળકો - શિક્ષકો પોરબંદર પ્રવાસ અર્થે આવતા તેઓ ને પ્રસાદી ભોજન ભરપેટ જમાડવામાં આવ્યું હતું. આ ભોજન પ્રસાદી આયોજનને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત આગેવાનોએ બિરદાવતા જણાવ્યું હતું કે, પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સ્કુલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે. તેઓને સ્વ. હીરાલાલભાઈ (ઇકુભાઈ) ગગનભાઈ શિયાળ પરિવાર, રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ અને મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રવાસે આવતા ગુજરાત રાજયની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે મહાપ્રસાદી (જમવા) ની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે સેવાયજ્ઞ ખરેખર ઉત્તમ કાર્ય છે. ગત બે વર્ષ થી થઈ રહેલ આ આયોજન નો હજારો વિદ્યાર્થીઓ ને લાભ મળ્યો છે ત્યારે આ વર્ષે પણ આ આયોજન રાખવામા આવ્યું છે જે શિયાળ – મોદી પરિવાર ની સેવા - સમર્પણ ભાવના સિદ્ધ કરે છે. વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદીનો લાભ લેવા અપીલ. આ સેવા કાર્ય જાન્યુઆરી મહિનાના અંત સુધી બપોરે 11;30 થી 3:00 સુધી ભાણજી લવજી સેનેટરી, રેલવે સ્ટેશન સામે, એસ.વી.પી. રોડ પોરબંદર ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya