
મહેસાણા, 13 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા ખાતે “ઊર્જા મિત્ર–હોમ મોબાઈલ વાન પ્રદર્શન” તેમજ “ઊર્જા સંરક્ષણ જાગૃતતા અંગે સેમિનાર અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓમાં ઊર્જા બચત, ઊર્જા કાર્યક્ષમ ઉપકરણો અને નવિનીકરણીય ઊર્જા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ઊર્જા મિત્ર–હોમ મોબાઈલ વાન દ્વારા ઘરેલુ ઉપયોગમાં ઊર્જા બચત કેવી રીતે કરી શકાય તે અંગે જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. LED બલ્બ, ઊર્જા કાર્યક્ષમ પંખા, સોલાર ઉપકરણો, સ્ટાર રેટિંગવાળા વિદ્યુત સાધનોના ઉપયોગથી કેવી રીતે વીજળીનો ખર્ચ ઘટાડી શકાય તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ડેમોસ્ટ્રેશન દ્વારા ઊર્જા બચતના સરળ અને અસરકારક ઉપાયો દર્શાવવામાં આવ્યા હતા.
સેમિનારમાં નિષ્ણાતોએ ઊર્જા સંરક્ષણનું મહત્વ, વધતી ઊર્જા માંગ, પર્યાવરણ પર થતી અસરો અને ટકાઉ વિકાસ માટે ઊર્જા બચતની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિય સહભાગિતા દર્શાવી હતી.
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં ઊર્જા સંરક્ષણ અંગે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે. ભવિષ્યમાં પણ જિલ્લામાં વધુ વિસ્તારોમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજવાની યોજના હોવાનું જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR