
અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : બગસરા શહેર ખાતે બગસરા નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. 2388 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે માર્ગ–મકાનથી લઈને પાણી, ગટર, રસ્તા, લાઇટિંગ સહિતની મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
આ પ્રસંગે રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બગસરા શહેરનો ઝડપી વિકાસ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા આ વિકાસ કાર્યો શહેરના નાગરિકોને સુવિધાસભર જીવન આપશે. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા અધિકારીઓ, જન પ્રતિનિધિઓ તથા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માર્ગ–મકાનના કામો, પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓનું નવીનીકરણ અને અન્ય સુવિધાઓથી શહેરની ઢાંચાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો.
આ વિકાસ પ્રોજેક્ટોથી બગસરા શહેરમાં રોજગારની તકો વધશે તેમજ શહેરની આર્થિક અને સામાજિક પ્રગતિને વધુ વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai