




ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો તો કોઈપણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું નહિ દર્શના દેશમુખ
ચૈતર વસાવાએ ખર્ચ મુદ્દે દબાણ કર્યું ત્યારે ડો. દર્શના દેશમુખ એકદમ મોન રહ્યા હતા મનસુખ વસાવા
આપના એક નેતાએ એક અધિકારી પાસે રૂ. 75 લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી
આક્ષેપ કરી પોતાના જ પગ પર કુહાડો માર્યો છે મનદુઃખ હોય તો સીધું કહેવું જોઈએ પાર્ટીમાં રજૂઆત કરવીતી
ભરૂચ 14 ડિસેમ્બર (હિ.સ.)
નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ખુલ્લી રાજકીય ટકરાવની સ્થિતિએ પહોંચી ગયો છે. ગતરોજ નર્મદા જિલ્લામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો.દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.તેની સામે મનસુખ વસાવા દિલ્હીથી પરત આવી તરત જ ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી વળતા જવાબો આપ્યા છે .
ડો. દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, તા. 7 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો,પરંતુ કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. તેમનો આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમની સાંઠગાંઠ હોવાનો સંકેત આપવામાં આવ્યો હતો, જેના માધ્યમથી તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. આ સાથે જ ડો.દર્શના દેશમુખે સાંસદ સામે માનહાનીનો કેસ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.આ નિવેદનો બાદ નર્મદા-ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડો.દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર પ્રત્યાઘાત આપ્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,કેવડીયા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું, ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ એક દમ મોન રહ્યા હતા. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે,આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે રૂ. 75 લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી.આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું.
ડો.દર્શના દેશમુખ અંગે તેમણે કહ્યું કે, “તેમણે આક્ષેપ કરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. જો કોઈ મનદુઃખ હતું તો મને સીધું કહેવું જોઈતું હતું અથવા પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈતી હતી, પરંતુ તેમણે જાહેરમાં મારા પર આરોપો લગાવ્યા છે. બેનને કોઈ પ્રકારનો ડર લાગ્યો છે એટલે મારી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.”
એક જ પક્ષના આગેવાનો એકબીજા સામે ખુલ્લેઆમ આરોપ-પ્રત્યારોપ કરતા રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું છે, ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કઈ દિશા પકડે છે તે તરફ રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ