
જુનાગઢ, 14 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનારના અંતિમ દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવાના સંદર્ભે કૃષિ વૈજ્ઞાનિકો નિષ્ણાતોએ પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું, ખાસ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ - મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર વ્યાપક અસર થઈ છે, ત્યારે સામા પક્ષે ક્લાઇમેટ ચેન્જથી નાળિયેરીના પાકને ફાયદો થયો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં 21 વર્ષ પહેલાં બાયો ટેકનોલોજીના વ્યાપ વધારવા એક મજબૂત શરૂઆત થઈ હતી જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારો સુધી બાયો ટેકનોલોજીના પ્રચાર પ્રસાર અને આ ક્ષેત્રમાં ખાસ કરીને ગુજરાતના વિવિધ ભૌગોલિક પ્રદેશોના પાકો અને વન્ય જીવોના સંરક્ષણ માટે બાયો ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે દિશામાં સંશોધકોને આવકારવાની એક પહેલ શરૂ કરવામાં આવી છે જેના પરિણામો આગામી સમયમાં વધુ ફળદાયી બનશે.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યવસાયિક તકો વધારવા માટે GSBTM સેતુ બનશે. બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવો બિઝનેસ શરૂ કરવા માટે જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરતા પણ કહ્યું કે, રિસર્ચથી જ સમાજ અને દેશ- દુનિયાનું કલ્યાણ થતું હોય છે. રિસર્ચ માટે GSBTM પૂરતું ફંડ અને માર્ગદર્શન પણ પૂરું પાડશે. ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓ વિકસાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
કેસર કેરી સોરઠ પ્રદેશની આગવી ઓળખ છે. એ જ રીતે આ પ્રદેશમાં નાળિયેરીનો પાક પણ મહત્વનો છે. ક્લાઈમેટ ચેન્જ હોય કે ઉત્પાદન ક્ષમતાની બાબતો કેસર કેસર કેરી સહિતના પાકોમાં રહેલા પડકારો નો ઉકેલ બાયોટેકનોલોજીના સંશોધનોની મદદથી લાવી શકાય તો ખેડૂતોને ફાયદો થાય અને આ આગવી ઓળખની ક્ષમતા પણ વધે એવા મનોમંથન અને ઉમદા વિચાર સાથે બાયો ટેકનોલોજી મિશન એક આગવી દીર્ઘદ્રષ્ટિ વિકસાવી રહ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આજે બાગાયત ક્ષેત્રના નિષ્ણાંતો એ સંશોધનની જરૂરિયાત, હાલની સ્થિતિ, બાયોટેકનોલોજી પર મનોવંથન કરીને ઉકેલની દિશામાં ચિતાર આપ્યો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયાએ ગ્લોબલ વોર્મિંગથી કેસર કેરી અને નાળિયેરના પાકો સામે ઊભા થઈ રહેલા જોખમો અંગે અંગુલીનિર્દેશ કર્યો હતો. ઉપરાંત તેમણે નાળિયેરના પાકમાં સફેદ માખી અને કેસર કેરીના પાકમાં પોલીનેશનમાં બાયોટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, તેના સંશોધનનો સમય આવી ગયો છે. તેમ જણાવી તેમણે સંશોધન કાર્યને આગળ વધારવાની હિમાયત કરવાની સાથે વિદ્યાર્થીઓને રાજ્યના ખેડૂતોને ફાયદો થાય તે દિશામાં સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો.
સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચરના ડાયરેક્ટર ડો. ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, કેરી એક સેન્સેટિવ પાક હોવાથી તેની યોગ્ય માવજત - ટ્રીટમેન્ટ આપવી એટલી જ મહત્વની છે. ખાસ ક્લાઈમેટ ચેન્જના પરિણામે કેરીના પાકને વ્યાપક અસર થઈ રહી છે, ફ્લાવરિંગ- મોર મોટા પ્રમાણમાં બંધાઈ રહ્યા છે પણ તે ટકી શકતા નથી અને જે ફ્લાવરનું બંધારણ થાય છે, તે સોપારી જેવડા આકારમાં હોય ત્યારે ખરી પડે છે. આ ઉપરાંત દિવસ અને રાત દરમિયાનના તાપમાનમાં પણ ખૂબ અંતર જોવા મળી રહ્યું છે તેની પણ આંબાના પાક ઉપર અસર થઈ છે. ઉપરાંત તેમણે વરસાદની પેટર્ન, કેસર કેરીને પાણી આપવાનો સમય ખાસ કેરીના આંબા પરથી ઉતારવામાં લેવાની કાળજી વગેરે વગેરે મુદ્દે માર્ગદર્શન કર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કેરીનો હજુ સુધી ખાડી દેશોમાં નિકાસ કરી રહ્યાં છીએ, જે વિકસિત યુરોપ અમેરિકા દેશો સુધી પહોંચાડવાનો પણ સમય આવી ગયો છે. તેમણે બાગાયત કૃષિ એગ્રીકલ્ચરલ ડેવલોપમેન્ટનું ગ્રોથ એન્જિન પણ ગણાવ્યું હતું.
જીનેટીક્સ અને પ્લાન્ટ બ્રીડિંગના પ્રો. રાજીવ કુમારે જણાવ્યું હતું કે, બાયો ટેકનોલોજીની મદદથી છોડમાં આવનાર રોગના નિયંત્રણ માટે જરૂરી પગલાં લઈ શકાય છે. ઉપરાંત ટીસ્યુ કલ્ચરની મદદથી નાશપ્રાયઃ થતા કે સંગ્રહ નથી કરી શકતા તેવા બીજોને ટિશ્યૂ કલ્ચર દ્વારા આર્ટિફિશ્યલી બનાવી શકીએ છીએ. વધુમાં તેમણે એક છોડના અન્ય છોડમાં ગુણધર્મો ઉમેરવા અને નવી જાતોને વિકસિત કરવા સંદર્ભે પણ માર્ગદર્શન કર્યું હતું.
તાલાલા ગીર ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ (મેંગો)ના વિજયસિંહ બારડે ૪૦- ૫૦ વર્ષ જૂની આંબાની બાગોના નવીનીકરણ માટે ખાસ પ્રોનીંગ કટીંગની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, આંબાના ઝાડ ખૂબ મોટા થઈ જવાથી રોગ અને જીવાતનો પ્રશ્ન વધે છે, સાથે જ યોગ્ય રીતે સૂર્યપ્રકાશ પણ મળતો નથી. ૪૦ ફૂટ જેટલા ઊંચા ઝાડ નિયંત્રણમાં પણ રહી શકતા નથી, મોટું ઝાડ હોવાથી પાણી અને દવા પણ વધુ ઉપયોગ કરવી પડે છે. ઉપરાંત ક્લાઈમેટ ચેન્જના હિસાબે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ પણ ભવિષ્યમાં બનાવવું પડી શકે છે. ઉપરાંત તેમણે કેરી પાકોના વાવેતર પદ્ધતિ, ખેડ, આંતર પાક, સહિતના મુદ્દાને આવરી લઈને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
મહુવા ખાતેના ફળ પાકોના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના સાયન્ટિસ્ટ જી.એસ. વાળાએ જણાવ્યું હતું કે, નાળિયેરના પાકોમાં ખૂબ મોટી સંભાવનાઓ રહેલી છે, લોકો હેલ્થ પ્રત્યે સજાગ થવાથી નાળિયેરની સતત ડિમાન્ડ વધી રહી છે, આજે આપણા ગીર સોમનાથ જિલ્લાના નાળિયેર કાશ્મીર સુધી પહોંચી રહ્યા છે. તેમણે ખાસ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની નાળિયેરના પાકને આડકતરી રીતે ફાયદો થઈ રહ્યો છે, વધુ વરસાદ પડવાથી નાળિયેર પાક માટે જરૂરી ભેજવાળું વાતાવરણ મળી રહે છે. તેમણે દરિયાઈ વિસ્તારથી દૂર નાળિયેરીના પાકનું વાવેતર ન કરવું જોઈએ, તેમ પણ કહ્યું હતું. ઉપરાંત તેમણે સારા રોપાનો ઉછેર થાય તે માટે નર્સરીનું યોગ્ય રીતે મેનેજમેન્ટ થાય તે પણ જરૂરી ગણાવ્યું હતું.
નાયબ બાગાયત નિયામક અલ્પેશ દેત્રોજાએ પણ કેન્દ્ર- રાજ્ય સરકારની બાગાયત કૃષિ માટેની યોજનાઓ- સહાયોની વિગતવાર જાણકારી આપી હતી. ઉપરાંત નિવૃત્ત વન વિભાગના અધિકારી રઘુવીરસિંહ જાડેજાએ પણ પોતાના કેરીના બાગના કન્વર્ઝન - નવીનીકરણના સફળતાની વાત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ