
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકાના મોરપા ગામે ફાઇનાન્સ કંપની દ્વારા કાયદેસર રીતે સીલ કરાયેલા મકાનમાં ગેરકાયદેસર રીતે સીલ તોડી પ્રવેશ કરવાના મામલે ફરિયાદ નોંધાઈ છે. એસ.આર.જી. ફાઇનાન્સ કંપનીની પાલનપુર શાખાના ઓથોરાઇઝડ ઓફિસર સાગર પરમારે વાગડોદ પોલીસ મથકે મોરપાના પાંચાભાઈ અને મેનાબેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદ મુજબ, પાંચાભાઈ અને મેનાબેને 16 ડિસેમ્બર, 2020ના રોજ મકાન પર રૂ. 7 લાખની લોન લીધી હતી, પરંતુ થોડા હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. નોટિસ છતાં બાકી રકમ ન ભરાતા ફાઇનાન્સ કંપનીએ પાટણ કોર્ટમાંથી મોર્ગેજ મિલકતનો કબજો મેળવવાનો હુકમ મેળવ્યો હતો. કોર્ટના આદેશ બાદ 20 ઓક્ટોબર, 2024ના રોજ કોર્ટ કમિશ્નરની હાજરીમાં મકાન સીલ કરવામાં આવ્યું હતું.
બાદમાં 7 નવેમ્બર, 2024ના રોજ તપાસ દરમિયાન મકાનનું સીલ તૂટેલું જણાયું અને દંપતી ત્યાં રહેતું હોવાનું સામે આવ્યું. કંપનીએ પૂછપરછ કરતા દંપતીએ મકાન ખાલી કરવાની ના પાડી હતી. આથી ફાઇનાન્સ કંપનીએ ગેરકાયદે પ્રવેશ અને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી, જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ