



પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.) : શ્રી તળ પાટણ દરજી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પાટણના રામજી મંદિર, ગોળ શેરી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ તથા બહારગામના મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા.
સમારોહ દરમિયાન સમાજના 40થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ વર્ષ 2024-25 દરમિયાન સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનાર 10 યુવાનો તેમજ નવી કાયમી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર 8 યુવાનોને તેમના માતા-પિતા સાથે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
માનવતાની સેવાના હેતુથી રોટરી ક્લબના સહયોગથી યમુના વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું, જેમાં સમાજના અનેક સભ્યોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. ઉપરાંત, સમાજની પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર દાતાઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ વી. દરજી, રમેશભાઈ દરજી, અતુલભાઈ દરજી, રક્ષાબેન દરજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ દરજીએ કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ અને સરકારી નોકરી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો, જેના કારણે સમાજમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ