
મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ જિલ્લા કલેક્ટરશ્રીએ મોજે દેલપુરા (ખાંટ), તાલુકો બેચરાજી ખાતે અધિકારીક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગામના વિવિધ વહીવટી રેકોર્ડની સુચિત અને વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. જમીન રેકોર્ડ, ગ્રામ પંચાયતના નોંધપત્રો, વિકાસ કામોના દસ્તાવેજો તેમજ અન્ય સરકારી રેકોર્ડની યોગ્યતા અને અદ્યતન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે સામાન્ય દફ્તર તપાસણી ફોર્મ ભરીને દફ્તરની કામગીરી, ફાઇલ વ્યવસ્થાપન, નોંધણી પદ્ધતિ અને સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ કામગીરી થાય છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. ક્યાંય ખામીઓ જણાય તો તે સુધારવા માટે તાત્કાલિક જરૂરી સૂચનો આપી વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રામજનોએ પીવાના પાણી, રસ્તા, સ્વચ્છતા, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ અંગે પોતાની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ ગ્રામજનોની વાત ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રકારની ક્ષેત્ર મુલાકાતથી વહીવટ અને જનતા વચ્ચે વિશ્વાસ વધશે અને ગામના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR