


ભરૂચ, 14 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ જીલ્લાના જંબુસર ગામના એસટી બસ ડેપો સર્કલ નજીકથી પસાર થતી બાઈકમાં આકસ્મિક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બાઇક ચાલક બાઈક સ્ટેન્ડ પર મૂકી ભાગવા જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગના બનાવને લઈ લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો.
જંબુસર એસ.ટી. ડેપો સર્કલ નજીક આજે એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ચાલુ બાઇકમાં આગ લાગતા બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક મદદ માટે આગળ આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ચાલુ બાઈકે આગ લાગવાનું કારણ પેટ્રોલ કોઈ જગ્યાએથી લીકેજ થયું હોય અને એ સ્પાર્ક પ્લગ અથવા વાયરિંગમાંથી આગ પકડાઈ ગઈ હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ