
મહેસાણા,14 ડિસેમ્બર (હિ.સ.) વિસનગર શહેર ખાતે ગોગા મહારાજના પ્રાચીન મંદિરમાં આયોજિત પાવન પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. આ ધાર્મિક પ્રસંગ ભક્તિભાવ, શ્રદ્ધા અને આસ્થાથી પરિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરમાં ઉપસ્થિત રહી પૂજા-અર્ચના, હવન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિમાં ભાગ લીધો હતો.
આ પાવન અવસરે રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગોગા મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ આયોજકો અને શ્રદ્ધાળુઓને આ ધાર્મિક પ્રસંગની શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભજન-કીર્તન, ધૂન અને આરતીના આયોજનથી સમગ્ર વિસ્તાર ધાર્મિક ભાવનાથી ગુંજાયો હતો. અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તોએ સહભાગી બની પુણ્યલાભ મેળવ્યો હતો.
આ ધાર્મિક પ્રસંગ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમજ સમાજમાં સૌહાર્દ અને સમરસતા વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR