
અમરેલી, 14 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી સ્થિત ઓપન જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા નિર્મિત કક્ષા બી-૦૭ અને ડી-૦૧ ના નવનિર્મિત આવાસોનું લોકાર્પણ રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
પોલીસ જવાનો માટે રહેણાંક સુવિધાઓને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા હેતુસર આ આવાસ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૧ કરોડ ૮૨ લાખથી વધુના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સુરક્ષિત માળખું, યોગ્ય હવાવાહન, વીજળી, પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને આરામદાયક અને સુખાકારી રહેઠાણ મળી રહે.
લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી વેકરીયાએ જણાવ્યું હતું કે પોલીસ જવાનો સમાજની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવે છે, ત્યારે તેમની રહેણાંક સુવિધાઓ મજબૂત કરવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ આવાસો પોલીસ કર્મચારીઓના મનોબળ અને કાર્યક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai