જૂનાગઢમાં બાયોટેકનોલોજી ઉપયોગથી વન્યજીવો સંરક્ષણ વ્યવસ્થાપન સંદર્ભે તજજ્ઞો દ્વારા મનોમંથન
જુનાગઢ 14 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત સેમિનારમાં પ્રથમ દિવસે વૈજ્ઞાનિકો - નિષ્ણાંતોએ બાયોટેકનોલોજીના નવા આયામો ઉપર ચર્ચા કરી હતી. જેમાં માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુ અને લોકોમાં નવીન રોગો ઉ
જૂનાગઢમાં બાયોટેકનોલોજી ઉપયોગથી વન્યજીવો સંરક્ષણ વ્યવસ્થાપન સંદર્ભે તજજ્ઞો દ્વારા મનોમંથન


જુનાગઢ 14 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત સેમિનારમાં પ્રથમ દિવસે વૈજ્ઞાનિકો - નિષ્ણાંતોએ બાયોટેકનોલોજીના નવા આયામો ઉપર ચર્ચા કરી હતી. જેમાં માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુ અને લોકોમાં નવીન રોગો ઉદભવે છે, તેવો સૂર ઉઠ્યો હતો.

બે દિવસીય આ સેમિનારના પ્રારંભિક સત્રમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર શ્રી ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, વન્યજીવનના સંરક્ષણ માટે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધનો હાથ ધરવા તત્પર છીએ. તેમણે ખાસ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ સાથે મળીને વન્યજીવોના સંરક્ષણ માટે સાથે મળીને કામ કરવાની હિમાયત કરી હતી. સાથે જ તેમણે GSBTM દ્વારા પૂરતું ફંડ આપવામાં આવશે. તેમ પણ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં આવનાર રોગોને અટકાવવા માટે સતત સંશોધન થતું રહે તે પણ એટલું જ જરૂરી છે. ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પ્રેરક વાતોથી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.

ધારાસભ્ય સંજય કોરડીયાએ વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે, દેશ દુનિયાને કંઈક આપવા માટે નવા વિચાર સાથે ઇનોવેશનનો અભિગમ રાખવો જરૂરી છે તેનાથી જ બદલાવ આવતા હોય છે. અને તેનાથી જ રાષ્ટ્રની ઉન્નતી સધાતી હોય છે. તેમણે અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓને આ સેમિનારનો લાભ મળ્યો તે માટે GSBTM નો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ વન્ય વર્તુળના મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, વન્યજીવોના સંરક્ષણના પરિણામે વન્યજીવોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે, જેથી માનવ સાથે સંઘર્ષ પણ જોવા મળે છે. આ સાથે નવીન પ્રકારના રોગો પણ જોવા મળી રહ્યા છે, ત્યારે તેના પ્રીવેન્શન માટે એટલી જ તૈયારી રાખવી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સેમિનારથી વાઇલ્ડ લાઇફની હેલ્થ માટે એક નવો રોડમેપ પણ મળશે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ ઘણી સંભાવનાઓ રહેલી છે, ત્યારે આ ક્ષેત્રમાં અને વન્યજીવોના સંરક્ષણ માટે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ કામ કરવા માટે તૈયાર છે, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન સાથે પણ જોડાઈને નવા સંશોધનો હાથ ધરવા માટે પૂરતો સહયોગ આપવામાં આવશે. સાથે જ રિસર્ચના પરિણામોને ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવાની પણ પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમી અને ભારતીય એજ્યુકેશન પ્રણાલીને વસ્તીના પરિપ્રેક્ષ્યમાં છણાવટ કરી હતી.

રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક અમિત કાનાણીએ બાયોટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓમાં રોગ નિયંત્રણ કરી શકીએ છીએ, સાથે જ દૂધ ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. સેક્સ્ડ સીમન ટેકનિકનો ઉપયોગ કરીને પશુઓમાં ઓલાદ સુધારણા કરી શકાય છે. આમ, એક શ્રેષ્ઠ નસલથી પણ પશુઓનું સંરક્ષણ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે સિંહ સહિતના વન્ય પ્રાણીઓના સંવર્ધનમાં બાયોટેકનોલોજીના જુદા જુદા પાસા ઉપર પ્રકાશ પાડ્યો હતો.

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફના ડાયરેક્ટર ડો. નિશિથ ધારૈયાએ જણાવ્યું હતું કે, પ્રાણીઓ શહેરી અને પ્રવાસન સ્થળોએ પણ આવા ગમન રહેતું હોય છે, ત્યારે એ ક્ષેત્રનો કચરો કે માનવ કૃત ખોરાક લેવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પરિવર્તન જોવા મળે છે. જે વનવિસ્તારમાં વિતરણ કરતા વન્ય જીવો કરતાં ખૂબ ઓછી હોય છે. ઉપરાંત તેમના રીછ ઉપરના સંશોધનો વિશેની જાણકારી આપી હતી.

દેહરાદુન ખાતેના માય લાઈફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ ડો.એસ. કે. ગુપ્તાએ વન્યજીવનના સંરક્ષણમાં બાયોટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વન્યજીવોના સંરક્ષણ અભ્યાસ વિશે પણ છણાવટ કરી હતી. તેમણે જુદી જુદી ભૌગોલિક સ્થિતિ અને વાતાવરણમાં રહેલા વન્યજીવોના વિશે પણ ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું.

વન્ય પ્રાણીઓ જ્યારે મનુષ્ય ઉપર હુમલાઓ કરે ત્યારે, તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે, ખાસ હુમલો કરનાર વન્યપ્રાણીના વાળ, લાળ, ટીશ્યુ વગેરેના નમુના લઇ તેના પૃથ્થકરણથી તેના સચોટ જવાબો મેળવી શકાય છે. તેમ પણ ઉમેર્યું હતું.

નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી રઘુવંશીસિંહ જાડેજાએ પણ પોતાના નોકરીકાળના વન્ય જીવ સંરક્ષણ માટેના અનુભવો રજૂ કર્યા હતા, ઉપરાંત આપણી આસપાસ રહેતા પશુ પક્ષીઓનું ઇકો સિસ્ટમમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન કર્યું હતું.

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડો. અપૂર્વ સિંહ પુવારે ખાસ જીઆરબીસી દ્વારા વન્યજીવનના જીનોમિક્સ સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશનના મેનેજર એ આભાર વિધિ કરી હતી.

આ સેમિનારમાં નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, વન વિભાગના અધિકારી રાજદીપ ઝાલા, સુહાસ વ્યાસ, પ્રો. મનીષ જાની સહિતના મહાનુભાવો નિષ્ણાંતો અને જુદી જુદી યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande