
જૂનાગઢ 14 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ગુજરાત રાજયમાં શરૂ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR) કાર્યક્રમ માટે મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગર દ્વારા તા.૧૨/૧૨/૨૦૨૫ થી જૂનાગઢ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે સીનીયર આઇ.એ.એસ. અધિકારી દીલીપકુમાર રાણા, કમિશનર, ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગરની નિમણૂંક કરવામાં આવી છે.
ભારતીય ચૂંટણી પંચની તા.૧૧/૧૨/૨૦૨૫ ની પ્રેસનોટ મુજબ તા.૧૪/૧૨/૨૦૨૫ સુધી ગણતરી ફોર્મ ભરવાનો અને જમા કરવાનો તબક્કો ચાલુ રહેશે. ત્યારબાદ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ડ્રાફટ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે તેમજ આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉપરોકત સમગ્ર પ્રક્રિયા દરમ્યાન રોલ ઓબ્ઝર્વર દીલીપકુમાર રાણા (IAS) કુલ-૩ વખત જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઇ, સાંસદ ધારાસભ્યઓ તથા માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરશે તથા મતદાર નોંધણી અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરશે.
તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ દીલીપકુમાર રાણા જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સાંસદ ધારાસભ્યઓ તથા માન્ય રાજકીય પક્ષો સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR) કાર્યક્રમના જુદા જુદા તબક્કાઓની જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ તેમજ આગામી સમયના આયોજન અંગે ચર્ચા-વિમર્શ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ