
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)હારીજ તાલુકાના એકલવા ગામે બોરતવાડિયા દરજી પરિવાર દ્વારા શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા બ્રહ્મણી માતાજી તથા મોમાઈ માતાજીના નિજ ધામે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી વિશાલ રાવલના મંત્રોચ્ચાર સાથે નવ યુગલોએ યજ્ઞમાં બેસીને આહુતિઓ આપી હતી.
યજ્ઞ પૂર્ણાહુતિના પ્રસંગે બોરતવાડિયા દરજી સમાજના અનેક પરિવારો હાજર રહ્યા હતા અને યજ્ઞ આરતીનો લાભ લીધો હતો. યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ પરિવારો દ્વારા સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજના સમયે માતાજી મઢના ભુવાજી જયંતીભાઈ દરજીના સાનિધ્યમાં રજવાડી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતની મધુર સુરાવલીઓ સાથે યોજાયેલી આ રમેલને સફળ બનાવવા માટે યુવાનોએ ભારે મહેનત અને ઉત્સાહ દર્શાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ