

પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી ખાતે નાડોદા રાજપૂત સમાજ દ્વારા પ્રથમ વખત મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજની 3000થી વધુ મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા અને બિનજરૂરી રિવાજો બંધ કરવા અંગે ચર્ચા કરવાનો હતો. મહિલાઓએ સામાજિક સુધારાઓ, સમૂહ લગ્ન પ્રથા અને કુરિવાજો સામે જાગૃતિ ફેલાવવા અંગે મનોમંથન કર્યું. સમાજ દ્વારા અપનાવવામાં આવેલી આ પહેલથી આશરે ત્રણ કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી.
બચત કરાયેલ ભંડોળનો ઉપયોગ સમી ખાતે જલાલાબાદ રોડ પર સંત અખૈય વાડી શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે કરવામાં આવ્યો છે, જેનું રવિવારે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવ, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ