
જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ, બમથીયા નાના ખડબા રોડ કે જે ૮.૧૦૦ કિમી લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. ૪૦૦.૦૦ લાખનો જોબ નંબર મંજૂર થયો છે.
આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ દીવાલ તથા રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે.
આ કામગીરી પૂર્ણ થવાથી બમથીયા, નાના ખડબા, ભોજાબેડી અને ચોરબેડી સહિત આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.
સાથે જ, બીજું કાર્ય મોટા પાંચસરા ટુ જોઇન એસ.એચ. રોડનું છે, જેની લંબાઈ ૧.૫ કિમી છે અને તેના માટે રૂ. ૬૦.૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તો મોટા પાંચસરા ગામને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો અગત્યનો માર્ગ છે, અને આ રસ્તા પર ડામર કામ તથા રોડ ફર્નિચર દ્વારા સપાટી સુધારણાની કામગીરી કરવામાં આવનાર છે, જેનાથી મોટા પાંચસરા તરફ જતા આવતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા આ બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે આ કામો પૂર્ણ કરાવવામાં આવનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt