
જામનગર, 14 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતેના ઓરલ મેડીસીન અને રેડીયોલોજી વિભાગ દ્વારા વિશ્વ રેડિયોલોજી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણી ઈ.સ. ૧૮૯૫માં ૮ નવેમ્બરના રોજ વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એક્સ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, જેના ભાગરૂપે વિભાગમાં આવેલ દર્દીઓ તથા સગા-સબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, ઓરલસ્કેન નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની શક્યતા અંગે યોગ્ય માહિતી તથા સારવાર આપવામાં આવી હતી. તબીબી જ્ઞાનના ભાગરૂપે, ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટરોને CBCT અંગેનું વ્યાખ્યાન અને પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વિવિધ કેન્સરના નિષ્ણાત તબીબો (Oncologists) દ્વારા ઓરલ કેન્સરના અધ્યતન નિદાન અને સારવાર અંગેના વિશેષ વ્યાખ્યાનો પણ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ડીન ડો. નયનાબેન પટેલના નેતૃત્વ અને વિભાગના વડા ડો. રીટાબેન ઝાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ઈન્ડીયન ડેન્ટલ એસોસિએશન જામનગર શાખા તથા શાશ્વત હોસ્પિટલ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના ડોક્ટરો ડો. ઓશીન વર્મા, ડો. કાજલ શીલુ, ડો. અભિષેક નિમાવત, ડો. શૌમેંદુ મૈતી, ડો. નિધિ હિરાણી તથા ડો. ફોઝિયા પઠાણે તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt