
ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૩૨મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની સમિક્ષા કરવામાં આવી હતી તેમજ પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલ ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને રૂ. ૧૬.૯૯ લાખનો પ્રોત્સાહક ચેક અપાયો હતો.
પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલ ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને રૂ. ૧૬.૯૯ લાખનો ચેક કલેકટરના હસ્તે નાયબ જીલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, વાસ્મો યુનિટ મેનેજર વિશાલ કુમાર ભાટુ તથા જિલ્લા સંયોજક અલ્કાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં.
આ યોજના અંતર્ગત મંજૂર થયેલા અન્ય ગામોની પ્રોત્સાહન રકમ આગામી “સરસ મેળા”માં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આ બેઠકમાં યાંત્રિક વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા કોડીનાર તાલુકાના અરણેજ અને સૂત્રાપાડા તાલુકાના ભુવાટીંબી અને વાસાવડ ગામની યોજનાઓને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી તેમજ કલેક્ટરએ જિલ્લાની જર્જરિત ૩૫ જેટલી ઉંચી ટાંકીઓનું નવીનીકરણ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સોર્સમાં પાણી ખૂટી જાય એવા અંદાજિત ૨૫ ગામોમાં સોર્સ રીચાર્જ કરવાના કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ સંલગ્ન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ