
ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે વેરાવળ રેલવે સ્ટેશનની સામે ઝુપડપટ્ટી વિસ્તારમાં થઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં આવ્યાં હતાં.
બાળ લગ્ન થતાં હોવાની અંગેની જાણકારી મળતાં જ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ સાથે સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવી યુગલની માત્ર સગાઈ કરીને ભવિષ્યમાં લગ્નની ઉંમર પૂર્ણ કરે ત્યારે લગ્ન કરવા અંગેની જરૂરી સમજૂતી અને કાયદાકીય સમજ પૂરી પાડવામાં આવી હતી.
બાળ લગ્નની ફરિયાદ અન્વયે કાયદાની સમજ આપી જરૂરી નોટિસ આપી બાળ લગ્ન અટકાવેલ બંને પક્ષના વાલી અને માતા-પિતાએ સમજીને લગ્ન બંધ રાખ્યા હતા અને માત્ર સગાઈ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
તંત્રની જરૂરી સલાહ અને માર્ગદર્શન અન્વયે સમાજના અગ્રણીઓએ પણ કાયદાકીય રીતે આ લગ્ન પુખ્ત ઉંમરે થાય તે માટેની ખાતરી આપી હતી.આમ, જિલ્લા તંત્રની સતર્કતાને કારણે આજે બાળ લગ્ન થતાં અટકાવી શકાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ