
નવી દિલ્હી, 15 ડિસેમ્બર
(હિ.સ.) રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી કોંગ્રેસની વોટ ચોર, ગદી છોડ રેલી વિવાદમાં સપડાઈ ગઈ છે. સોશિયલ
મીડિયા પર ફરતા એક વીડિયોમાં કેટલાક કોંગ્રેસ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વિરુદ્ધ, અપમાનજનક સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે. કેન્દ્રીય સંસદીય બાબતોના
પ્રધાન કિરેન રિજિજુએ આનો સખત વિરોધ કર્યો અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં રાષ્ટ્રની માફી માંગવા
અપીલ કરી.
કિરેન રિજિજુએ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા
કહ્યું કે,” કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે
અને રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે. તેથી, લોકશાહી ધોરણોનું
પાલન કરવાની અને સંસદમાં વડાપ્રધાન અને રાષ્ટ્રની માફી માંગવાની જવાબદારી બંને
પક્ષોની છે.”
રિજિજુએ કહ્યું કે,” તેમને કોંગ્રેસની વિચારધારા સામે કોઈ
વાંધો નથી, અને રાહુલ ગાંધી તેમની પાર્ટીને યોગ્ય લાગે તે કોઈપણ
વિચારધારા અપનાવી શકે છે. જોકે, રેલીમાં વડાપ્રધાન
વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ ભારતીય રાજકારણના ઇતિહાસમાં અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.”
તેમણે કહ્યું કે,” રાજકીય પક્ષો હરીફ હોઈ શકે છે, પરંતુ દુશ્મન
નહીં. દરેકનું લક્ષ્ય દેશ માટે કામ કરવાનું અને 2047 સુધીમાં વિકસિત ભારતના
સ્વપ્નને પૂર્ણ કરવાનું છે.”
તેમણે કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા વિપક્ષને
રાજકીય હરીફ તરીકે ગણવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ વડાપ્રધાનને
મારી નાખવા અથવા તેમની કબર ખોદવા જેવા નારા લોકશાહી માટે હાનિકારક છે. રાજકીય
ચર્ચાની પણ મર્યાદા હોવી જોઈએ.”
રિજિજુએ કહ્યું કે,” ભાજપ અને રાષ્ટ્રીય લોકશાહી જોડાણે
ક્યારેય કોઈના વિરુદ્ધ કે કોઈના પરિવાર વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ કર્યો નથી.
રાજકીય મતભેદો અલગ હોઈ શકે છે, પરંતુ દરેકે
લોકશાહી શિષ્ટાચાર સમજવો જોઈએ.” તેમણે કહ્યું કે,” સંસદનું સત્ર ચાલુ છે, અને કોંગ્રેસ
પ્રમુખ અને બંને ગૃહોના વિરોધ પક્ષના નેતાએ ગૃહની અંદર આવીને રાષ્ટ્રની માફી
માંગવી જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર
/ પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ